આસ્તિકતા અને નાસ્તિકતા નું મંથન
ભારત ભૂમિ એટલે વૈશ્વિક વિચારો નું જન્મસ્થળ એટલે જ તો કહે છે ને "व्सासोच्छिष्टम् जगत् सर्वं "
વિશ્વ નો કોઈ વિચાર એવો નથી જે વ્યાસે ન કહ્યો હોય. વિશ્વ નાં શ્રેષ્ઠ ઈતિહાસકાર જો કોઈ હોય તો તે વ્યાસ જ છે જેમણે જે જેવું છે તે તેવું જ વિશ્વ સમક્ષ મુક્યું છે.
ભારત ભૂમિ એ ભૂમિ છે જ્યાં સ્વયં સંચાલિત રાજ્ય ની કલ્પના કરવામાં આવી અને એવું રાજ્ય બનાવવા માટે વશિષ્ઠ ઋષિ એ આખા રઘુકુળ ને તૈયાર કર્યું અને સફળ પ્રયોગ પણ કરી બતાવ્યો.
માત્ર કઠોર નિયમો નું પાલન મિલિટરી ઢબે કરાવવું જ પડે એવાં વિચાર થી કડક મિલિટરી શિસ્ત વાળા શાસન નો પ્રયોગ વિશ્વામિત્ર ઋષિ દ્વારા કરવામાં આવ્યો હતો.
આ બંને ઋષિ સમકાલિન અને વિચારો થી વિપરીત હતાં બંને શાસન નો પોતાનો પ્રયોગ શ્રેષ્ઠ છે એ માટે અગણિત નવા પ્રયોગો કરતાં રહેતાં જેથી ભવિષ્ય માટે એક આદર્શ શાસન વ્યવસ્થા નું ઉદાહરણ રજૂ કરી શકાય.
આ મુજબ ની તંદુરસ્ત સમાજ ને ઉચિત સંચાલન આપવા માટે ની "હરિફાઈ" હોવા છતાં કદી બંને એકબીજા નાં મત નું ખંડન કરવા માટે બીજા ને નીચા દેખાડવા નો રસ્તો અપનાવ્યો નહીં. એટલે જ જ્યારે તાડકા અને એનાં ગોઠિયા ઓનો ત્રાસ વધ્યો ત્યારે એને નશ્યત કરવા વિશ્વામિત્ર ઋષિ એ મહારાજ દશરથ પાસે રામ અને લક્ષ્મણ ની માંગણી ત્યારે રામ ની ઉંમર માત્ર ચૌદ વર્ષની હતી તેથી દશરથ ને ડર લાગ્યો ત્યારે વશિષ્ઠ ઋષિએ મહારાજ દશરથ ને સમજાવી ને રામ તથા લક્ષ્મણ ને ઋષિ વિશ્વામિત્ર સાથે તાડકા વધ નાં કાર્ય માટે મોકલ્યાં.
અહીં એક તંદુરસ્ત હરીફાઈ, રાષ્ટ્ર પ્રથમ તથા માનવતા નું રક્ષણ ની લાગણી સર્વોચ્ચ દેખાય છે.
ભારત ભૂમિ એટલે શ્રદ્ધા, સંસ્કાર, લાગણી અને શૌર્ય ની ભૂમિ છે. અહીં અનેક વિચારધારા ઓનો ઉદ્ભવ થયો, સ્વિકાર થયો તથા પ્રસાર પણ થયો.
અહીં સ્વયં સંચાલિત રાજ્ય, નાગરિકો કડક શિસ્ત વાળું રાજ્ય, નાગરિકો ની ચયનિત સમિતિ દ્વારા સંચાલિત ગણરાજ્ય નાં પ્રયોગો સફળતા પૂર્વક કરવામાં આવ્યાં.
એવું જ વિચારો માં પણ થયું.
જે ભૂમિ એ વિશ્વ નિયંતા મારા જેવો જ બની ને આવે અને મારી જેમ જ દુન્યવી જંજાળ માં રહી ને સમગ્ર માનવજાત ને માર્ગદર્શન આપે છે એવી "અવતાર" નો વિચાર આપ્યો.
જે ભૂમિ એ ધર્મ ની કલ્પના વિશ્વ ને સૌપ્રથમ આપી. આ ભૂમિ નાં કણ કણમાં ઈશ્વર ઉપરનો અતૂટ અને અખુટ વિશ્વાસ, શ્રદ્ધા ભારોભાર છે એ જ ભૂમિ એ ઈશ્વર નાં અસ્તિત્વ ને નકારતા વિચાર ને પણ પોતાના શાસ્ત્રોમાં સ્થાન આપીને સન્માન અર્પણ કર્યું છે. અરે, જ્યાં વ્યક્તિ એ કેટલું સંગ્રહ કરવું જોઈએ એની ચર્ચા કરી છે તો तेन् त्यक्तेन् भुंजिता: એટલે કે "ત્યાગી ને ભોગવ" જેવી પરમાર્થિક વિચારધારા ને જમીન ઉપર સ્થાપિત કરવા અનેક ઋષિઓ ઓએ પોતાના જીવન ઘસી નાખ્યાં ત્યાં જ "ऋणं कृत्वा धृतम् पिबेत" "દેવું કરીને પણ ઘી પીવું" જેવી વિચારધારા નો પણ સ્વીકાર કર્યો, માત્ર સ્વિકાર કર્યો એટલું જ નહીં પરંતુ એ વિચાર નાં પુરસ્કર્તા ને પણ ઋષિ નો દરજ્જો આપવામાં આવ્યો અને એટલું જ સન્માન કરવામાં આવ્યું. આ ભૂમિ એ કદી પોતાની વિચારધારા કે વિચાર બીજા ઉપર ઠોકી બેસાડવાની કોશિશ કરી નથી, અરે ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર નાં યુદ્ધ મેદાનમાં કૌરવો અને પાંડવો ની અઢાર અક્ષૌહિણી સેના ની વચ્ચોવચ રથ ઊભો રાખીને "सिदन्ति मम गात्राणी" "મારાં ગાત્રો શીથીલ થઇ ગયાં છે" કહી ને પોતાના કર્તવ્ય થી વિમુખ થઈ રહેલાં શ્રેષ્ઠ ધનુર્ધર અર્જુન ને " हत्वावा प्राप्स्यसि स्वर्ग्यं, जित्वा वा भोक्ष्यसे महीम्, तस्मात् उत्तिष्ठ कौंतेय युद्धाय कृतनिश्चय" " જો હણાઈશ તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ અને જીતીશ તો સમગ્ર ધરતી નું રાજ્ય મેળવીશ માટે હે કુંતી પુત્ર ઉઠ ઊભો થા અને યુદ્ધ માટે કૃતનિશ્ચયી થા" નો ઉપદેશ આપી પોતાના કર્તવ્ય નું પાલન કરવા અર્જુન ને ઊભો કરનારા ભગવાન શ્રી કૃષ્ણ પણ શ્રી મદ્ ભગવદ્ ગીતા ને અંતે અર્જુન ને એમણે જે કહ્યું છે તે ન ઠોકી બેસાડતા કહે છે "यथा योग्यं तथा कुरू" "તને જે યોગ્ય લાગે તે કર"
આવો ભવ્ય વૈચારિક સમન્વયાત્મક ઈતિહાસ ધરાવતા રાષ્ટ્ર માં જ્યારે નાસ્તિકતા નાં નામ ઉપર પોતાના વિચારો બીજા ઉપર ઠોકી બેસાડવાની કોશિશ કરી રહેલાં લોકો અને એ માટે સમાજ ની એકતા ને જોખમ માં મુકતાં ખચકાટ નથી અનુભવતા, સમન્વયાત્મક સંસ્કાર નું ગોત્ર ધરાવતા આ રાષ્ટ્ર માં અનેક માન્યતાઓ અને પરંપરાઓ પ્રચલિત છે જે માન્યતા ઓ અને પરંપરાઓ નું અપમાન કરતાં એમને ઘડીભર વિચાર નથી આવતો, પોતાની વ્યક્તિગત વિચારધારા ને બીજા ઉપર ઠોકી બેસાડવાની કોશિશ માં ધૃતરાષ્ટ્ર જેમ અંધ બની બેઠેલા આ નકલી નાસ્તિકો જેમને પોતાને જ ખરેખરી નાસ્તિકતા નો અર્થ ખબર નથી એવાં આ લોકો બીજા ની ધાર્મિક, સામાજિક લાગણીઓ ની ઉપર પ્રહારો કરે છે ત્યારે એમની વિચારધારા નું અસલી પોત ઉજાગર થયાં વગર રહેતું નથી જ.
આસ્તિક રહેવું કે નાસ્તિક એ દરેક ની અંગત બાબત છે અને ભારતીય સંવિધાન એની સંપૂર્ણ સ્વતંત્રતા પણ આપે જ છે સાથે સાથે ભારતીય સંવિધાન પોતાની વિચારધારા બીજા ઉપર ઠોકી બેસાડવાની પણ તદ્દન વિરુદ્ધ છે જ.
જેમ આસ્તિકતા એ ભારતીય ભૂમિ ની આ વિશ્વને અમૂલ્ય વૈચારિક ભેટ છે તો નાસ્તિકતા પણ ભારતીય ભૂમિ ની જ દેન છે. આ બંને વિચારો ભારત માં ક્યારેય એકબીજા ની વિરુદ્ધ દિશા માં ચાલ્યા હોય એવું બન્યું નથી. બંને વિચારો એ ક્યારેય એકબીજા ઉપર હાવી થવાની કોશિશ કરી હોય એવું ઈતિહાસમાં નોંધાયું નથી. આસ્તિકતા અને નાસ્તિકતા બંને વિચારો એ ક્યારેય પોતાના વિચારો ભારતીય સમાજ ઉપર ઠોકી બેસાડવાની કોશિશ કરી નથી.
વૈશ્વિક સંસ્કાર ની ભૂમિ એવી ભારતીય કદી પોતાના મત નું મંડન કરવા બીજા ની લાગણી ને ઠેસ પહોંચાડવા નાં સંસ્કાર ધરાવતી નથી અને આ સંસ્કાર પ્રત્યેક ભારતીય માં ભારોભાર છે તેથી પોતાના વિચારો ને બીજા ઉપર ઠોકી બેસાડવાની કોશિશ, વૃત્તિ એ ભારતીયતા નું પ્રતિનિધિત્વ નથી જ કરતી એ સ્વયં સ્પષ્ટ છે.
આભાર,
🖋️ દેવેન્દ્ર.
4 टिप्पणियां:
ખૂબ સુંદર માહિતી દેવેન્દ્ર ભાઈ...
ખૂબ જ સરાહનીય...👏👏👏
આભાર 🙏 મૌલિકભાઈ
ખુબ સુંદર માહિતી આપી ગુરુ
Cary on guruji
एक टिप्पणी भेजें