शनिवार, 1 सितंबर 2018

સામાજિક ન્યાય

26 જાન્યુઆરી 1950 માં સ્વતંત્ર ભારતનું પોતાનું બનીને સ્વિકાર થયેલું સંવિધાન લાગુ કરવામાં આવ્યું અને સ્વતંત્ર ભારત સંવિધાનિક રીતે પ્રજાસત્તાક બન્યું.
સ્વતંત્ર ભારતના સત્તાધીશો સામે અનેક પડકારો હતાં. અલગ અલગ રજવાડાં ઓને એકછત્ર હેઠળ લાવવા, દેશનાં ભાગલા ને કારણે વિસ્થાપિત થયેલા લાખો લોકો નું પુનર્વસન કરવું, દેશમાં ફાટી નિકળેલી હિંસા ને રોકી સૌહાર્દ, શાંતિ નું વાતાવરણ પુનઃસ્થાપિત કરવું, ત્યાં જ જન્મતાં વેંત દુશ્મન બની બેઠેલા પાકિસ્તાને કરેલા કાશ્મીર ઉપર આક્રમણ સામે ઝઝુમવાનુ આવ્યું હજી આ પડકારોને જવાબ આપતાં આપતાં હાંફી ગયાં ત્યાં જ મહાત્મા ગાંધી ની હત્યા થઈ, આવાં અચાનક આવેલાં પડકારો ની સાથે સાથે રાષ્ટ્ર સમક્ષ કેટલાક સદીઓથી જડતાની હદ સુધી ઘર કરી ગયેલાં પડકારો પણ હતાં જ. એમાં સૌથી મોટો, અગત્યનો અને તાત્કાલિક અસરકારક અને દુરોગામી અસર કરે તેવાં પગલાં માંગી લેતો પડકાર હતો હિન્દુઓમાં જાતિ, જ્ઞાતિ વચ્ચે ફેલાયેલાં ઊંચ નીચ નાં ભેદભાવ, જાતિ, જ્ઞાતિ વચ્ચે ઉચ્ચતા નાં આડંબરી અહંકાર, જાતિ જ્ઞાતિ ને ધ્યાનમાં રાખીને માણસને માણસ ન ગણવા જેવી અમાનવીય પ્રથાઓ, રિવાજો જેવી કે જાતિ/જ્ઞાતિ નાં કારણે કરાતી આભડછેટ, મંદિરમાં પ્રવેશ નિષેધ, ગામડાઓમાં સાર્વજનિક કુવા કે પાણી નાં સ્ત્રોતો થી પાણી ન લેવાં દેવું, દલિત ગણાતિ જાતિ/જ્ઞાતિ ઓને કેટલાક પ્રસંગો જેવાકે લગ્ન માં ઢોલ ન વગાડવા દેવો, બેન્ડ ન વગાડવા દેવું, ફટાકડા ન ફોડવા દેવાં, જુલુસ ન કાઢવા દેવાં, માથે સાફા ન બાંધવા આવાં તો અનેકવિધ અમાનવીય વ્યવહારો ધર્મના ઓઠાં હેઠળ અથવા ધર્મ ની જ નિશ્રામાં સદીઓથી ફુલેલા ફાલેલા હતાં.
વિડંબણા એ હતી કે એમાં એટલાં વિરોધાભાસ હતાં પરંતુ કોઈ તે જોવા પણ તૈયાર નહોતું. ઉદાહરણ તરીકે
  • મંદિરોમાં આરતી વખતે નગારું વગાડવું અનિવાર્ય પરંતુ નગારાં માટે ચામડું બનાવનાર માટે મંદિર પ્રવેશ વર્જિત
  • મંદિરોમાં પૂજા કરવા માટે કેવાં વસ્રો પહેરવાં તે નિર્ધારિત પરંતુ એ વસ્ત્રો બનાવનાર ને માટે મંદિર માં પ્રવેશ નિષેધ હતો
  • મંદિરોમાં ભગવાનની મૂર્તિ માટે વાઘા અનિવાર્ય પરંતુ વાઘા બનાવનારા ને મંદિરમાં પ્રવેશ નહીં
  • મંદિરોમાં ધજા આવશ્યક પરંતુ ધજા બનાવનાર ને મંદિરમાં પ્રવેશ નિષેધ
  • મંદિરોમાં ભગવાનની મૂર્તિ સમક્ષ દિવો પ્રગટાવવો અનિવાર્ય પરંતુ દિવેટ બનાવનાર ને મંદિરમાં પ્રવેશ નહીં
  • મંદિરોમાં આરતી વખતે મંજીરા વગાડવા આવશ્યક પરંતુ મંજીરા પકડવાની દોરી બનાવનાર ને મંદિરમાં પ્રવેશ નિષેધ
  • એંઠા મોઢે મંદિર દર્શન નિષેધ પરંતુ દાતણ આપનારા માટે મંદિર માં જવા ઉપર પ્રતિબંધ
મંદિરોમાં કથિત રીતે દલિત સમાજ નો વ્યક્તિ ન જ જવો જોઈએ એની પુરતી તકેદારી રાખવામાં આવે અને જો દલિત સમાજનો વ્યક્તિ મંદિરમાં ભુલે ચુકે’ય જાય તો મંદિર “અપવિત્ર” ગણાઈ જાય અને પછી એને પાછું “પવિત્ર” કરવાં લાખો રૂપિયા નો ધુમાડો કરવામાં આવે અરે…… હજુ પણ આ એકવીસમી સદીમાં’ય આવી અમાનવીય પ્રથાઓ,વર્તનો, વ્યવહારો ઘણાં ગામડાઓમાં પ્રચલિત છે.
સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં કોઈ રાજકીય કે આઘ્યાત્મિક/ ધાર્મિક નેતા એ આવી અમાનવીય પ્રથાઓ સામે અવાજ ઉઠાવ્યો હોય તેવું ઉડીને આંખે વળગે તેવું ઉદાહરણ ધ્યાનમાં આવતું નથી, ખાસ કરીને કથિત ઉચ્ચ જાતિ/જ્ઞાતિ માંથી આવી અમાનવીય પ્રથાઓ, રિવાજો સામે કોઈ અવાજ ન ઉઠ્યો. આધુનિક ભારતના પાયામાં વ્યાપ્ત આ ઊધઈ સામે કોઈ આંદોલન ન થયાં….. જમીનદારી વિરૂદ્ધ આંદોલન થયું…… વૃક્ષો બચાવવા માટે ચિપકો આંદોલન થયું…… કટોકટી લાદનાર સરકાર વિરુદ્ધ આંદોલન થયું…… પરંતુ ક્યારેય આ દેશમાં “આભડછેટ હટાવો, દેશ બચાવો” “જાતિગત ભેદભાવ મિટાવો, દેશ બચાવો” જેવાં આંદોલન જોવાં ન મળ્યાં. કદાચ ક્યાંક એકલ દોકલ પ્રયાસ થયો પરંતુ તેને સર્વવ્યાપી સમર્થન ન જ મળ્યું.
ત્યારે આવી પરિસ્થિતિમાં જ્યાં સમાજ નાં મોટા વર્ગ ને ધર્મના નામે સમાન અધિકારો થી સદીઓથી વંચિત રાખવામાં આવ્યો તે વર્ગને સક્ષમ, સશક્ત બનાવવા અને રાષ્ટ્ર ની મુખ્ય ધારામાં પ્રવાહીત કરવાનો સંવિધાનિક પ્રયાસ કરવામાં આવ્યો, સદીઓથી પિડીત, વંચિત, શોષિત રહેલાં વર્ગને સક્ષમ, સશક્ત અને સ્પર્ધાત્મક બનાવવા માટે ની મથામણ, પ્રયાસ નું સંવિધાનિક સ્વરૂપ એટલે “આરક્ષણ”.
જ્યારે આરક્ષણ સંવિધાનિક બન્યું ત્યારે સત્તાધીશો ની એ જવાબદારી હતી કે સમાજ માં આરક્ષણ મુદ્દે સકારાત્મક વિચારો નો પ્રચાર, પ્રસાર કરે. જરૂરી એ હતું કે કથિત ઉચ્ચ જાતિ/જ્ઞાતિ માં એવાં પ્રચાર અને પ્રસાર ની કે આરક્ષણ એ સદીઓથી આપણાં જ હિન્દુ ભાઈઓ ઉપર ધર્મના નામે જે અન્યાય થયો છે તેની ભરપાઈ અથવા પ્રાયશ્ચિત રૂપે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.સંવિધાન નિર્માતાઓ દૂરદર્શી હતાં અને આવનારાં પરિણામો ની કલ્પના પણ સૂપેરે હતી જ એટલે જ એમણે આ વ્યવસ્થા ને ઘણી બધી જગ્યાએ સમયાવધિ માં બાંધી હતી. પરંતુ કોઈ પણ કારણસર તત્કાલીન સત્તાધીશો આમ કરવામાં તદ્દન નિષ્ક્રિય અને નિષ્ફળ રહ્યા અને અંગ્રેજો ની જ ” ભાગલા પાડો અને રાજ કરો” ની નીતિ ને બદલીને “ભાગલા પાડો અને તારાજ કરો” માં પડી ગયાં અને આરક્ષણ રૂપી ઉત્તમ વ્યવસ્થા જેનાથી એકસમાન, સક્ષમ, સશક્ત હિન્દુ એકતા અપેક્ષિત હતી, જેમાં સદીઓથી પોતાના જ ભાઈ ને કરવામાં આવેલાં અન્યાયો નાં પ્રાયશ્ચિત ની ભાવના અભિપ્રેત હતી, જેમાં એક જ કુટુંબના સક્ષમ ભાઈ બીજા ભાઈ ને સક્ષમ બનાવવામાં મદદરૂપ થાય એ ભાવના હતી એને બદલે આરક્ષણ પ્રથાને જ એવી રીતે પ્રચારીત, પ્રસારીત થવા દીધી જાણે આરક્ષણ પ્રથા જ અન્યાયી છે અને કથિત ઉચ્ચ જાતિ/જ્ઞાતિ નાં અધિકાર ઉપર તરાપ મારનારી છે. એનું પરિણામ એ આવ્યું કે કથિત ઉચ્ચ જાતિ/જ્ઞાતિઓમાં જે ભાવના દલિત જાતિ/જ્ઞાતિ ઓ માટે હતી “પોતાના કરતાં નીચા” ગણવાની તે હવે વૈમનસ્ય, ધિક્કાર અને ઘૃણા માં ફેરવાતી ગઈ અને આ માન્યતા એટલી જડ રીતે ઘર કરી ગઇ કે આરક્ષણ માટે આંદોલનો થવા લાગ્યા. પરિસ્થિતિ એ એવો ખતરનાક વળાંક લીધો કે હિન્દુ બે ભાગમાં “આરક્ષણ મેળવતાં” અને “આરક્ષણ ન મેળવતાં” એવાં બે નવાં જ વર્ગમાં વહેંચાઈ ગયો, વિભાજિત થઈ ગયો અને આ ભાગલા ને રાજકીય લોકોએ પ્રોત્સાહન આપ્યું અને જાતિગત વોટબેંકો અસ્તિત્વ માં આવી.
સત્તાધીશો જેમ કથિત સવર્ણ સમાજ ને આરક્ષણ વ્યવસ્થા ને સકારાત્મક રીતે સમજાવવામાં નિષ્ફળ, નિષ્ક્રિય રહ્યા તદ્દન એવું જ દલિત સમાજ સાથે પણ થયું. સદીઓથી અન્યાય સહન કરતાં સમાજ ને સક્ષમ, સશક્ત, સ્પર્ધાત્મક બનાવી રાષ્ટ્ર ની મુખ્ય ધારામાં પ્રવાહીત‌‌‌ કરી શકાય તે માટે ની વ્યવસ્થા ને યથાયોગ્ય સ્વરૂપ ન સમજાવવામાં આવ્યું અને જેનો સહારો લઈને સક્ષમ, સશક્ત બનવાનું હતું તે સાધન ન બનતાં સાધ્ય જ બની ગઈ. આરક્ષણ વ્યવસ્થા નું યોગ્ય સંચાલન કરવામાં સરકાર તદ્દન નિષ્ફળ રહી. ઘણી જગ્યાએ યોગ્ય વ્યક્તિ ને લાભ ન મળ્યો.
આપણાં દેશનું એ સૌથી મોટું દુર્ભાગ્ય જ ગણી શકાય કે કથિત ઉચ્ચ જાતિ/જ્ઞાતિઓને સમજાવી શકે એવાં સરદાર પટેલને અને દલિત સમાજને સમજાવી શકે એવાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ને સ્વતંત્રતા મળ્યા નાં થોડોક જ સમય માં દેશ ગુમાવી બેઠો.
આરક્ષણ એ એક નિશ્ચિત સમાજ ઉપર સદીઓ સુધી થયેલાં અન્યાયો, અત્યાચારો ને કારણે એ સમાજ માં આવેલી અક્ષમતા, અસમર્થતા ને દૂર કરીને સક્ષમ, સમર્થ બનાવીને રાષ્ટ્ર ની મુખ્ય ધારામાં લાવવા ની વ્યવસ્થા છે. કોઈને એવું લાગતું હોય કે એ વ્યવસ્થા તેમને અન્યાય કરે છે તો તેમણે ભુતકાળમાં કથિત સવર્ણ સમાજ દ્વારા દલિતો ને કરવામાં આવેલાં અને દુર્ભાગ્યે આજે એકવીસમી સદીમાં’ય થતાં રહેલાં અન્યાયો, અત્યાચારો નજર સમક્ષ લાવજો અને માનવીય હ્રદય થી અનુભવવા ની કોશિશ કરજો તમને આ વ્યવસ્થા ચોક્કસ શ્રેષ્ઠ લાગશે જ અને એ સમજવું જ પડશે કે જ્યાં સુધી જાતિ જ્ઞાતિ નાં કારણે કોઈ પણ વ્યક્તિની સાથે ભેદભાવ કરવામાં આવશે, અન્યાય કરવામાં આવશે, અમાનવીય વ્યવહાર કરવામાં આવશે ત્યાં સુધી આરક્ષણ અનિવાર્ય છે, છે અને છે જ તથા જે દિવસે જાતિ ને કારણે થતા ભેદભાવ, ઊંચ નીચ, આભડછેટ આ દૂર, સંપૂર્ણ નાબૂદ થઇ જશે પછી કોઈ ને પણ સક્ષમ થવા આરક્ષણ ની જરૂરિયાત નહીં જ રહે તે સુવર્ણપત્ર ઉપર રૂપાની શાહી થી લખી રાખજો.
તદ્દન આવી જ રીતે આરક્ષણ મેળવતાં વર્ગે પણ એ સમજવું જ પડશે કે આરક્ષણ એ અંતિમ નથી, અંતે તો પોતે સક્ષમ, સમર્થ બન્યા પછી પોતાના સમાજ માં જેમને આ વ્યવસ્થા નો લાભ નથી મળ્યો તેમને તૈયાર કરવાં પડશે, સમાજ વચ્ચે જવું પડશે અને ઉચિત યોગ્ય માર્ગદર્શન આપવું પડશે જેથી વધુ ને વધુ લોકો એનો લાભ મેળવે અને સમર્થ સક્ષમ બને.
આરક્ષણ મેળવતાં અને નહીં મેળવતાં બંને વર્ગો માટે આત્મચિંતન, આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે અને બંને વર્ગો એ હાથ માં હાથ મેળવી ને જાતિ/જ્ઞાતિ ને કારણે થતા ભેદભાવ, ઊંચ નીચ, આભડછેટ અને બીજી અમાનવીય પ્રથાઓ, રિવાજો, વ્યવહારો ને દૂર કરવા લાગી જાય. જ્યાં સુધી કોઈ એક વ્યક્તિ ઉપર જાતિ ને કારણે થતો અન્યાય દરેક જાતિને પોતાની ઉપર થતો અન્યાય નહીં લાગે ત્યાં સુધી એ સમાજમાંથી નહીં જ જાય.
આખરે માનવ એ ઈશ્વર નું શ્રેષ્ઠ સર્જન છે, ઈશ્વર દરેક નું ધ્યાન રાખવામાં, દરેકનાં કર્મોના ફળ આપવામાં કોઈ ભેદભાવ, આભડછેટ નથી કરતો તો ઇશ્વરના બનાવેલા આપણે કોણ છીએ કોઈનાં પ્રત્યે ભેદભાવ, આભડછેટ રાખનારા ? શું આપણે ઈશ્વર કરતાં પણ વધારે મોટાં, મહાન, સક્ષમ, સમર્થ બની ગયાં છીએ ?
અને જો જ્યાં પણ ભગવાન, ઈશ્વર નો વાસ છે તેને પવિત્ર માનતાં હોઈએ તો એક વખત શ્રીમદ્ ભગવદ્ ગીતા ને શરણે ચોક્કસપણે જવું પડશે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ એ પોતાના સ્વમુખે પોતાનું સરનામું “सर्वस्यचाहं ह्रदिसन्निविष्टो” “હું દરેક નાં હ્રદય માં વસેલો છું” આપ્યું છે તો દરેક જીવ ને “ममैवांशो जीवलोके” “દરેક જીવ મારો અંશ છે” કહી સંબંધ જણાવ્યો છે. જ્યારે ભગવાન સ્વયં કહે છે તે દરેક જીવ માં વિરાજમાન છે તો હું અથવા આપણે કોણ છીએ જેમાં ભગવાન, ઈશ્વર છે તેને અપવિત્ર, અસ્પૃશ્ય માનનારા ?
એક બાબત સોનાનાં અક્ષરો થી હ્રદયમાં વસાવી દેવાની જરૂર છે કે માણસ અસ્વચ્છ હોઈ શકે, અશિક્ષિત હોઈ શકે, અસંસ્કારી હોઈ શકે, અસંસ્કૃત હોઈ શકે, અવિચારી હોઈ શકે પરંતુ કોઈ જ માનવ કદી અપવિત્ર, અસ્પૃશ્ય કદી જ ન હોઈ શકે.
અને હા, સમાજ ને હવે તાતી જરૂર છે એક પ્રચંડ આંદોલન ની જેનો નારો હોય “આભડછેટ હટાવો,દેશ બચાવો” જાતિગત ભેદભાવ મિટાવો, દેશ બચાવો”.
અસ્તુ,
🖌️ દેવેન્દ્ર કુમાર

2 टिप्‍पणियां:

Unknown ने कहा…

સરસ લખાણ છે ભાઈ

Unknown ने कहा…

તમને પહેલાં પણ કહ્યુ હતું કે હું મારી નજરમાં નીચે નથી ઉતરતો.
એટલે હું મારી કોમેન્ટ લખું છું.
તમારા બ્લોગ વાંચ્યા. તમે સરસ લખો છો, મહેનત પણ સારી કરો છો. ધન્યવાદ. આવું દેશ અને સમાજ માટે લખતા રહેજો. શુભેચ્છા.
હવે મારો સવાલ. અનામત sc,st,obc ને મળે છે છતાં આભડછેટ ફકત sc ને જ કેમ ??
એના માટે હિન્દુ ધર્મ ની વર્ણ વ્યવસ્થા જવાબદાર છે કે નહીં ??

संवैधानिक संतुलन: भारत में संसद की भूमिका और सर्वोच्च न्यायालय के निर्णय

भारत के लोकतांत्रिक ढांचे में, जाँच और संतुलन की व्यवस्था सुनिश्चित करने के लिए विभिन्न संस्थाओं की भूमिकाएँ सावधानीपूर्वक परिभाषित की गई है...